Hot Posts

6/recent/ticker-posts

કોરોનાનો શિકાર બનેલી અમદાવાદી યુવતીએ જણાવ્યું કે કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો


આખી દુનિયા આજે કોરોના વાયરસથી લડી રહી છે. લોકો હાથ ધોઈને, માસ્ક પહેરીને અને ઘરમાં કેદ રહીને તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વાયરસનો ભોગ બનેલી અમદાવાદની એક યુવતીએ જાણીને ચોંકી જવાય તેવી કેટલીક વાતો જણાવી છે. આ યુવતીએ કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો તે પણ જણાવ્યું છે.

અમદાવાદમાં રહેતી આલિશા (નામ બદલ્યું છે) હાલ એસવીપી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહી છે. હોસ્પિટલના બીછાનેથી જ આલિશાએ પોતાનો અનુભવ લોકો સાથે વર્ણવ્યો છે. ફરવાની શોખીન આ યુવતીએ 2020માં ફિનલેન્ડમાં નોર્ધન લાઈટ્સ જોવા જવાનું નક્કી કર્યું હતું. તે કોરોનાની સ્થિતિથી અવગત હતી, અને છેક 15 જાન્યુઆરીથી તેની વિગતો મેળવી રહી હતી.

આલિશાને એમ હતું કે કોરોના વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે, અને તેને તો ફિનલેન્ડ જવાનું છે. માટે આ વાયરસ તેના સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી. તેણે માર્ચની શરુઆતમાં ફિનલેન્ડ જવા માટે ફ્લાઈટ્સની ટિકિટ બુક કરાવી લીધી. તે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા આખરે ફિનલેન્ડ પહોંચી. પોતાના પ્રવાસમાં તેણે સતત N99 માસ્ક પહેરી રાખ્યું, સેંકડોવાર પોતાના હાથ સેનેટાઈઝરથી સાફ કર્યા. સમય મળ્યો ત્યારે સતત 30 સેકન્ડ સુધી પોતાના હાથ ધોયા પણ ખરા. પોતાની સીટ પર એર વેન્ટ્સ પણ ઓપન રાખ્યા, ટ્રે ટેબલ અને આર્મ રેસ્ટ્સને પણ સાફ કર્યા.

ફ્લાઈટમાં આલિશા એકમાત્ર એવી યુવતી હતી કે જે માસ્ક પહેરીને બેઠી હતી. જમવા, પાણી પીવા, સિક્યોરિટી ચેક, પાસપોર્ટ કંટ્રોલ વગેરે સિવાય તેણે પોતાના ચહેરા પરથી માસ્ક પણ નહોતું હટાવ્યું. સમગ્ર ટ્રીપમાં માંડ 10 વાર તે પોતાના માસ્કને અડી હતી. તેવામાં આલિશાને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા નહીંવત કહી શકાય તેટલી હતી. જોકે આટલી તકેદારી રાખવા છતાંય આલિશા ભારત પાછી ફરી ત્યારે તે કોરોનાનો ચેપ લઈને પાછી આવી હતી.

ભારત પાછા ફર્યા બાદ આલિશા પરિવારજનોને ભેટી પણ નહોતી. પોતાની બેગો પણ તેણે ખોલ્યા વિના એક રુમમાં મૂકી દીધી હતી. બેગ્સ પર તેણે સેનિટાઈઝર પણ સ્પ્રે કર્યુ હતું. પરંતુ 14 માર્ચે તેને સામાન્ય તાવ આવ્યો અને તેણે એક રુમમાં પોતાની જાતને આઈસોલેટેડ કરી દીધી. તેના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરને આ અંગે વાત કરી. તેમણે કેટલીક એન્ટિ બાયોટિક્સ લેવા જણાવ્યું, અને એમ પણ કહ્યું કે ફિનલેન્ડની માઈનસ 15 ડિગ્રી ઠંડીમાંથી સીધા ભારતમાં 25 ડિગ્રી તાપમાનમાં આવવાથી તાવ આવ્યો હશે.

આલિશાએ ઘરના એક રુમમાં પોતાને કેદ કરી લીધી હતી. તેના રુમ બહાર એક ટેબલ રાખવામાં આવ્યું હતું, જ્યાં તેના માટે જમવાનું મૂકી દેવાતું. તે જાત જ પોતાના વાસણ ખૂબ જ ગરમ પાણી અને સાબુથી ધોતી અને તેને બહાર મૂકતી. પોતાનો ચેપ બીજાને ના લાગે તે માટે તેણે ખૂબ જ ધ્યાન રાખ્યું. આમને આમ દિવસો સુધી તે ઘરમાં સેલ્ફ આઈસોલેશનમાં રહી. પોતાના કપડાં પણ તેણે ડેટોલ અને ગરમ પાણીમાં જાતે ધોયા.

ફેમિલી ડોક્ટરે આલિશાને તપાસ માટે ક્લિનિક બોલાવી, ત્યાં પણ તે એકલી જ ગઈ. માસ્ક પણ પહેરી રાખ્યું, અને બીજા પેશન્ટ્સથી દૂર જ બેઠી. ડોક્ટરે પણ તેને તપાસતા પહેલા માસ્ક પહેરી લીધું. તેનો તાવ ઓછો નહોતો થઈ રહ્યો, અને ગળામાં ઈન્ફેક્શન પણ થવા લાગ્યું હતું. ડોક્ટરે તેને દવા ચાલુ રાખવાની સલાહ આપી, અને આલિશા પાછી ઘરે ગઈ. ઈન્ફેક્શન ન ફેલાય તે માટે તેણે લિફ્ટ પણ યુઝ ન કરી, અને ઘરના દરવાજા પણ પહેલાથી જ ખૂલ્લા રાખવા કહી દીધું, જેથી હેન્ડલને ટચ ન કરવું પડે. તેને સતત બે દિવસ સુધી તાવ આવતો રહ્યો, પરંતુ બીજી કોઈ ખાસ તકલીફ નહોતી.

આખરે પોતાની બહેનની મદદથી આલિશાએ એસવીપી હોસ્પિટલના એક ડોક્ટર મિમાંશા બૂચનો સંપર્ક કર્યો. તેને તાવ તો ઉતરી ગયો હતો, કોરોનાના બીજા કોઈ લક્ષણ પણ નહોતા દેખાઈ રહ્યા. થોડો સમય તેણે રાહ જોવાનું નક્કી કર્યું. 16 માર્ચે આલિશાને શરદી થઈ, અને છાતી થોડી ભારે લાગવા લાગી. જોકે, આ લક્ષણો ખૂબ જ માઈલ્ડ હતા, પરંતુ તેમ છતાંય તેણે ડોક્ટર મિમાંશાને ફોન કર્યો, અને આખરે તે એસવીપી હોસ્પિટલ પહોંચી, જ્યાં તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો. આખરે જેનો ડર હતો તે જ થયું આલિશાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અને તેને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવી.

આલિશાની લોકોને સલાહ છે કે તમે માંદા હો કે ના હો, પરંતુ ધ્યાન ચોક્કસ રાખજો. જો તમને લાગે કે તમને કોરોનાનો ચેપ લાગ્યો છે, તો જરાય ડરવાની જરુર નથી. અમદાવાદમાં તેની સારવાર કરનારા ડોક્ટર્સ છે, અને ટ્રીટમેન્ટ પણ ખૂબ જ સારી મળી રહી છે. પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જાગૃતિ કેળવીને આપણે કોરોનાને વધારે વકરતો પણ અટકાવી શકીએ છીએ.

Post a Comment

0 Comments